અમદાવાદઃ આગામી લોકસભા ચૂંટણી અગાઉ ઉંઝાથી કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની સાથે ઉત્તર ગુજરાતના પાટીદારોમાં સારો પ્રભાવ ધરાવનારા આશા પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઇ છે. જ્યારે કોંગ્રેસના નેતાઓને હજુ પણ આશા છે કે તેઓ આશા પટેલને મનાવી લેશે અને ફરીથી કોંગ્રેસમાં સામેલ કરી દેશે.
ઉલ્લેખનીય છે કે આશા પટેલના રાજીનામા પાછળનું કારણ પક્ષમાં ચાલી રહેલો જૂથવાદ અને અસંતોષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ આશા બેન પટેલને મનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ આશા પટેલને આગામી લોકસભા ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી લડાવે તેવી સંભાવના છે.
આશા પટેલને મનાવવાને લઇને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી આશા પક્ષમાં પાછા ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. પરેશ ધાનાણીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે આશા કોંગ્રેસમાં પરત ફરશે.
નોંધનીય છે કે આશા પટેલ અગાઉ મહેસાણાના સાંસદ રહી ચૂકેલા જીવાભાઇ પટેલ પણ સ્થાનિક સ્તરે પક્ષમાં જૂથવાદ અને અસંતોષના કારણે પક્ષ છોડી ચૂક્યા છે. ભાજપના સૂત્રોના મતે ભાજપ પણ આશા પટેલને પોતાના પક્ષમાં લાવવા ગતિવિધિઓ તેજ કરી છે.
ઉત્તર ગુજરાતના પાટીદાર પ્રભાવિત વિસ્તાર મહેસાણા અને પાટણ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનની નારાજગીને ખાળવા માટે આશામાં આશા દેખાઇ રહી છે. કોંગ્રેસે આશા પટેલને મનાવવા અનેક બેઠકો કરી છે.
એક બેઠકમાં આશા પટેલ ઉપરાંત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી , અલ્પેશ ઠાકોર , કિરીટ પટેલ અને ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા. તેમણે આશા પટેલની કોંગ્રેસમાં વાપસી કરાવવા કવાયત હાથ ધરી છે. આશા પટેલને લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડાવવાની ઓફર પણ કરાઈ છે.
નોંધનીય છે કે આશા પટેલે પોતાના રાજીનામાં લખ્યું હતું કે, હું છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસમાં કામ કરું છું. એક વર્ષથી અનેકવાર મે રજૂઆતો કરી હોવા છતાં તાલમેલ સાધવાના કોઇ પ્રયાસો થયા નથી. રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળનિવડ્યું છે. પાર્ટીમાં જૂથવાદ અને આંતરિક વિગ્રહ ચરમસીમા પર છે. પ્રજાના પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવી રહ્યો નથી.
તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કરતા લખ્યું કે, તેમણે 10 ટકા સવર્ણ અનામત આપીને તમામને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો જ્યારે કોંગ્રેસને જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસ છે. આવા સંજોગોમાં કોંગ્રેસ સાથે કામ કરવું મુશ્કેલ છે.