ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીનો શંખનાદ ફૂંકવા ગાંધીનગર પાસેના અડાલજ ખાતે 28 ફેબ્રુઆરીએ મળનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક રદ કરાઈ છે. આ બેઠક પછી યોજાનારી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી અને ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની જાહેર સભા પણ રદ કરાઈ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
ભારત-પાકિસ્તાન વચ્ચે પેદા થયેલા તણાવના પગલે યુધ્ધ જેવી સ્થિતી સર્જાઈ છે. આ માહોલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવી યોગ્ય ના હોવાથી આ બેઠક રદ કરાઈ છે. હાલમાં દેશભરમાં તણાવનો માહોલ છે અને પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા છે. આ સંજોગોમાં રાજકીય કાર્યક્રમો કરીને સલામતી માટે સમસ્યા ઉભી કરવી યોગ્ય ના હોવાથી રાહુલ ગાંધીએ આ નિર્ણય લીધો છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના 85 દિગ્ગજ નેતા હાજર રહેવાના હતા. અડાલજના ત્રિમંદિર ખાતે થનારી કોંગ્રેસની જાહેર સભામાં એક સાથે કોંગ્રેસના 25 દિગ્ગજ નેતાઓ મંચ પર હાજર રહેવાના હતા. 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે તેથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ હતો. કોંગ્રેસે આ બંને કાર્યક્રમો માટે ભારે તૈયારીઓ કરી હતી પણ બદલાયેલી સ્થિતીના કારણે કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલાં કોંગ્રેસની આ બંને કાર્યક્રમોની તૈયારીના નીરિક્ષણ માટે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અડાલજની ત્રિમંદિરની મુલાકાત લીધી હતી. સલામતીની વ્યવસ્થાની ચકાસણી કરવા માટે રેન્જ આઈજી પણ ત્રિમંદિર પહોંચ્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અમદાવાદ આવવા પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરી સભાસ્થળની મુલાકાત ધાનાણીએ કહ્યું હતું કે, જનસભા અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકથી રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ કોંગ્રેસને ચોક્કસ લાભ થશે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતની જનતાને ગાંધી પરિવાર તરફ પહેલાંથી પ્રેમ છે અને વિધાનસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધીને આપેલો પ્રેમ પરિવર્તનની નિશાની હતી. કોંગ્રેસની કરણી અને કથની એક જ છે જેના કારણે ગુજરાતની જનતાએ ભાજપને 150 બેઠક મેળવવા ન દીધી તેવો દાવો પણ ધાનાણીએ કર્યો હતો.