અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે વિસનગરમાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવા મામલામાં પોતાની જામીનની શરતોમાં સુધારો કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલામાં હાર્દિક પટેલે તેને મહેસાણા જિલ્લામાં દાખલ થવા માટે છૂટ આપવામાં આવે તેવી હાઇકોર્ટ સમક્ષ માંગણી કરી હતી. નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં હાર્દિક પટેલ પર ગુનો નોંધવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ હાલમાં આ કેસમાં જામીન પર મુક્ત છે. આ કેસમાં જામીન આપતા સમયે કોર્ટ હાર્દિક પટેલને મહેસાણા જિલ્લાની હદમાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારે હાર્દિકે મહેસાણા જિલ્લામાં તેને પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન હાર્દિકે મહેસાણામાં છૂટ આપવામાં આવે તેવી અપીલ કરી હતી. હાર્દિક તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે હું કોંગ્રેસને મત આપવા માટે લોકોને કહું છું એટલે ભાજપના પેટમાં તેલ રેડાય છે. ભાજપની સરકાર દ્ધારા મારી સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે. હાર્દિકે રજૂઆત કરી હતી કે લોકશાહીમાં બધાને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે. સરકાર અત્યારે જે રીતે વર્તી રહી છે એને જોતા તો આગામી સમયમાં સરકાર શ્વાસ લેવા પર પણ નિયંત્રણ લગાવી શકે છે. આ પ્રકારનું વલણ લોકશાહીમાં ચલાવી ના લેવું જોઇએ. સરકારે હાર્દિકની અરજીનો વિરોધ કર્યો હતો.
નોંધનીય છે કે આ અગાઉ પણ સુનાવણી દરમિયાન સરકારે હાર્દિકની અરજીનો વિરોધ કર્યો હતો. અગાઉ સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, હાર્દિક પર મહેસાણામાં 5 જેટલા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યાં છે. જો તેને ત્યાં જવાની પરવાનગી આપવા આવે તો કાયદો અને વ્યવસ્થાને નુકસાન થઈ શકે છે. સરકાર તરફથી આ મામલે 119 પાનાનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારે કહ્યું હતું કે હાર્દિકની સામે 17 જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે. હાર્દિક વિરુદ્ધ ગુનાનો ઉલ્લેખ થતાં વિસનગર ડિવિઝનના ડીવાયએસપીએ એક એફિડેવિટ ફાઇલ કરી જણાવ્યું હતું કે, હાર્દિકની હાજરીને કારણે ભૂતકાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઇ ચૂકી છે.