સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ રવિવારે ચેતવણી આપી છે કે જો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પોતાના વાયદા પુરા નહીં કરે તો તે પોતાનો પદ્મભૂષણ સન્માન સરકારને પરત આપી દેશે. 81 વર્ષીય અન્ના અહીં અનિશ્ચિત ભૂખ હડતાલ પર બેસ્યા છે, જેને રવિવારે 5 દિવસ પુરા થઈ ગયા. રવિવારે એનડીએ ગઠબંધનમાં ભાજપના સાથી દળ શિવ સેનાએ અન્ના હજારેની માંગોને સમર્થન કરવાની જાહેરાત કરી.
શિવસેનાએ અન્નાને સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણને અનુસરતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ સંભાળવાની અપીલ કરી. અન્ના હજારેએ અહમદનગર જિલ્લામાં સ્થિત પોતાના પૈતૃક ગામ રાલેગણ સિદ્ધિમાં બુધવારે ભૂખ હડતાલ શરૂ કરી હતી.
તેમની માંગ છે કે લોકપાલ અને લોકાયુક્તોની નિયુક્તિ કરવામા આવે તેમજ ખેડૂતોના મુદ્દે સંકલ્પ પત્ર રજુ કરવામાં આવે. અન્નાએ કહ્યું કે મોદી સરકારે લોકોનો વિશ્વાસ તોડ્યો છે. તેઓએ આવનારા કેટલાક દિવસમાં પોતાની માંગ ન માનવા પર દેશનું ત્રીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ પરત આપવાની ચેતવણી આપી, જે તેમને 1992માં આપવામાં આવ્યો હતો.
રવિવારે ડૉ. ધનંજય પોટેએ અન્નાનું સ્વાસ્થ્ય તપાસ કર્યા બાદ જણાવ્યું કે, ખોરાક ન લેવાના કારણે તેમનું 3.8 કિલોગ્રામ વજન ઓછુ થઈ ચૂક્યું છે અને બ્લડ પ્રેશર, બ્લડ શુગર તેમજ યૂરિનમાં ક્રિએટિનનું સ્તર પણ સતત વધી રહ્યું છે.