અનામત મુદ્દે રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે.નરેન્દ્ર મોદીની સરકારે 10 ટકા સવર્ણોને અનામત આપવાનો નિર્ણય કર્યો છે. જોકે નરી વાસ્તવિક્તા એ છે કે અનામતની માગને લઈ અનેક વખત દેશનો માહોલ ગરમાયો છે. અનામતની માગને લઈ દેશના કેટલાય યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સરકારે નિર્ણય જાહેર કર્યા બાદ. હવે અનામત કેવી રીતે આપવી તેના પર સંશોધન થઈ રહ્યું છે. ગણા રાજ્યોમાં અનામત મુદ્દે માગ ઉઠતી રહી છે.અને દેશ વ્યાપી આંદોલનો પણ થતા રહ્યા છે. આ તમામ પાસઓ વચ્ચે અનામતની આંધીનો ઈતિહાસ લોહીથી રંગાએલો છે.તે વાત ભુલવી ન જોઈએ.
OBC અનામત વિરૂદ્ધ
અનામતની માગને લઈ દેશમાં અનેક વખત ઘર્ષણો થયા છે. પહેલી વખત મંડળ કમીશનની ભલામણ વર્ષ 1990માં તાત્કાલીન પ્રધાનમંત્રી વી.પી સિંહે લાગુ કરી ત્યારે સવર્ણ સમાજે રસ્તા પર ઉતરી જઈ ભારે વિરોધ કર્યો હતો. અને OBC અનામતનો વિરોધ દેશ વ્યાપી કર્યો હતો. આ વિરોધ દરમિયાન દિલ્લી યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજીવ ગોસ્વામીએ આત્મહત્યા પણ કરી લીધી હતી.જેના ઘેરા પ્રત્યાઘાતો પડતા અનેક જગ્યાએ તોડફોડ પણ થઈ હતી.
પટેલ આંદોલન
મોદી સરકાર સત્તામાં આવ્યા પછી દેશના જુદા-જુદા રાજ્યોમાં ફરી એક વખત અનામતની આગ પ્રજોલિત બની હતી. પ્રધાનમંત્રીના ગુજરાતમાં વર્ષ 2015માં પટેલ અનામતની માગ હાર્દિક પટેલના નેતૃત્વમાં આગળ વધી અને સમગ્ર રાજ્યમાં તેની અસર દેખાઈ હતી.જે બાદ હાર્દિક પટેલની ધરપકડ પણ થઈ હતી. હાર્દિક પટેલની ધરપકડ થતા ગુજરાતના 12થી વધુ શહેરોમાં પાટીદાર યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારી જાગીરોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
જાટ આંદોલન
યુ.પી.એ સરકારે ચૂંટણી પહેલા જાટ સમુદાયને OBCની શ્રેણીમાં સ્થાન આપ્યું હતું. જોકે કોર્ટે આ નિર્ણયને રદ્દ કર્યો હતો. જેના વિરૂદ્ધમાં હરિયાણા સહિત મોટાભાગના રાજ્યોમાં જાટ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક તોફાનો દેશભરમાં થયા હતા.આ આંદોલમાં 30 નાગરીકોએ જીવ ગુમાવ્યા હતા. તો રાજ્યમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતુ.
ગુર્જર આંદોલન
રાજસ્થાનમાં ગુર્જર સમુદાયએ પણ અનામતની માગને લઈ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. વર્ષ 2008માં પોલીસ ગોળીબારમાં 20 આંદોલનકારીઓના મોત થયા હતા.જે બાદ પ્રદર્શનકારીઓએ રેલ્વેને બ્લોક કરી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. 2015માં ફરી એક વખત ગુર્જર સમુદાએ અનામતની માગ ઉઠાવી અને રેલવેના પાટા ઉખેડી, આગચંપી જેવા બનાવોને અંજામ આપી રૂપિયા 200 કરોડથી વધુ સરકારની નુકસાન કર્યું હતું.
મરાઠા આંદોલન
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ લાંબા સમયથી ચાલી રહી છે. આ અનામતની માગને લઈ મહારાષ્ટ્રીયનો અનેક વખત રસ્તા પર ઉતરી ચુક્યા છે.વર્ષ 2018માં એક યુવકે આત્મહત્યા કરવાના પ્રયત્નો પણ કર્યા હતા.જે બાદ આંદોલનકારીઓએ આગચંપીના બનાવોને અંજામ પણ આપ્યો હતો. જે બાદ સ્થાનિક સરકારે આ દિશામાં સકારાત્મક નિર્ણય લેતા 16 ટકા મરાઠા અનામત બિલ પાસ કર્યું હતું.
નિષાદ આંદોલન
તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં નિષાદ અનામત આંદોલનને લઈ એક જવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ડિસેમ્બર 2018માં નરેન્દ્ર મોદી ગાજીપુરમાં રેલી સંબોધવા ગયા હતા. ત્યારે નિષાદ સમુદાયના લોકોએ રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.જેમાં જવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. નિષાદ સમુદાયના લોકો S.Cમાં સામેલ થવા માટે અનેક વખત સંઘર્ષ કરી ચુક્યા છે.
આંધ્રપ્રદેશમાં હિંસા
ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનામત આંદોલનો થયા છે. આંધ્રપ્રદેશમાં કાપુ સમુદાયે વર્ષ 2016માં OBC ક્વોટાની માગને લઈ હિંસક પ્રદર્શનો કર્યા હતા.જેમાં પોલીસકર્મી સહિત નાગરીકો ઘાયલ થયા હતા.