પ્રયાગરાજઃ કોંગ્રેસના પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી અહીં સંગમ ઘાટ પહોંચ્યા. અહીં તેઓએ ગંગા પૂજન કર્યુ. પછી સુતેલા હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ પહેલા સવારે પ્રિયંકાએ સરસ્વતી કૂપ અને અક્ષયવટના દર્શન પણ કર્યા. આ પહેલા તે રવિવારે રાત્રે લખનઉથી પ્રયાગરાજ પહોંચ્યા. તે લગભગ 28 મહિના બાદ પ્રયાગરાજ આવ્યા છે. તેઓએ અહીં સ્વરાજ ભવનમાં રાત્રી વિશ્રામ કર્યો.
હનુમાન મંદિરમાં પ્રિયંકાએ લોકો સાથે મુલાકાત કરી. ઘણા લોકોએ તેમની સાથે સેલ્ફી પણ પડાવી. આ દરમિયાન જ્યારે મીડિયાએ પ્રિયંકા સાથે વાત કરવાના પ્રયાસ કર્યા તો તેઓએ કહ્યું કે, મંદિરમાં રાજનીતિક વાતો નહીં કરુ. પ્રિયંકા અહીંના મનઈયા ઘાટ પરથી પોતાની ગંગા યાત્રા શરૂ કરશે. તે સ્ટીમરથી વારાણસી રવાના થશે.
પ્રિયંકા પોતાની લગભગ 140 કિલોમીટર લાંબી ગંગા યાત્રા દરમિયાન ઘણા મંદિરોમાં દર્શન કરશે. વિભિન્ન સ્થળો પર કાર્યકર્તાઓ અને સમાજના અલગ-અલગ વર્ગોના લોકો સાથે મુલાકાત પણ કરશે. ગંગા યાત્રાનું સમાપન 20 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં થશે. પ્રિયંકા વારાણસીના પાસે દમદમામાં એક સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેશે.