અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકૉપ્ટર કૌભાંડમાં એક નવો ખુલાસો થયો છે. હાલમાં જ દુબઈથી પ્રત્યર્પણ મારફતે ભારત લાવવામાં આવેલા વચેટીયા દીપક તલવારના મોબાઈલ ફોનમાં વિજય માલ્યાની કથિત વાતચીત સામે આવી છે.
ઈડી સૂત્રોનો દાવો છે કે, માલ્યા અને તલવાર વચ્ચે હંમેશા વાત થતી હતી. દીપક તલવારની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને ઘણી અન્ય મહત્વપૂર્ણ જાણકારીઓ પણ હાથ લાગી છે. તેના મોબાઈલ ફોનની ઘણી ફાઈલો ખુલી નહોતી રહી. તેના માટે ફોરેન્સિક લેબની મદદ લેવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકૉપ્ટર કૌભાંડમાં સૌથી પહેલા વચેટીયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યો હતો. મિશેલની સીબીઆઈ અને ઈડી એમ બંન્ને તપાસ એજન્સીઓએ પૂછપરછ કરી છે.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે મિશેલની થયેલી પૂછપરછમાં ઘણા મહત્વના તથ્યો સામે આવ્યા છે. અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં મિશેલે ઈડીને જે કંઈ જણાવ્યુ, ત્યાર બાદ આ મામલે 2 અન્ય આરોપી રહેલા રાજીવ સક્સેના અને દીપક તલવારને પણ દુબઈથી પ્રત્યર્પણ મારફતે ભારત લાવવામાં આવ્યા. આ બંન્ને આરોપી હમણા ઈડીની કસ્ટડીમાં છે.
ઈડીના અધિકારીઓનું કહેવું છે કે, દીપક તલવારે પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. જેનાથી અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકૉપ્ટર કૌભાંડની ડીલમાં ચાલેલા લાંચના ખેલનો પર્દાફાશ થઈ શકે છે. તલવાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અને તેના મોબાઈલ ફોનની ડિટેલના આધારે ભાગેડુ ઇદ્યોગપતિ વિજય માલ્યા સાથે તેની વાતચીતના સાક્ષ્ય સ્પષ્ટ છે.
જો કે પૂછપરછમાં તલવાર એ વાતનો સ્વીકાર નહોતો કરી રહ્યો, પરંતુ બાદમાં જ્યારે તેના મોબાઈલ ફોનની ડિટેલ ખંગોળવામાં આવી તો આ ખુલાસો થયો છે. કૉલ ડિટેલ દેખાડ્યા બાદ તલવારે આ સ્વીકાર કર્યો કે માલ્ય સાથે તેના સારા સંબંધ રહ્યા છે. બંન્ને વચ્ચે અવારનવાર વાતચીત થતી રહેતી હતી.