અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકૉપ્ટરના કથિત કૌભાંડ મામલે ભારત સરકારને મોટી સફળતા મળી છે. ક્રિશ્ચન મિશેલને ભારત લાવ્યા બાદ હવે બે વધુ દલાલોને ભારત લાવવામાં આવ્યા છે.
અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે રાજીવ શમશેર બહાદુર સક્સેના 3,600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકૉપ્ટર મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ છે અને લૉબિસ્ટ દીપક તલવાર વિદેશી ફંડિંગ મારફતે પ્રાપ્ત 90 કરોડ રૂપિયાથી વધારેની રકમનો દુરુપયોગ કરવાના મામલે ઈડી તેમજ સીબીઆઈની વોન્ટેડ યાદીમાં છે. તેમને લગભગ દોઢ વાગ્યે વિશેષ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા.
ઈડીએ એન્ટિ મની લોન્ડરિંગ લૉ અંતર્ગત બંન્નેની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે એજન્સીએ તેમને દિલ્હી એરપોર્ટ વિસ્તારમાંથી કસ્ટડીમાં લીધા અને તેમને બાદમાં દિવસે અહીં એક કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે દુબઈ પ્રશાસને ભારતીય એજન્સીઓની વિનંતી પર બંન્નેને બુધવારે પકડ્યા હતા.
તેઓએ જણાવ્યું કે ઈડી મધ્ય દિલ્હીમાં એક કેન્દ્રમાં બંન્નેની પૂછપરછ કરી રહ્યું છે અને તપાસ બાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ મામલે સહ આરોપી અને કથિત વચેટીયા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન જેમ્સ મિશેલને થોડા સમય પહેલા જ દુબઈથી પ્રત્યર્પિત કરીને ભારત લાવવામાં આવ્યો હતો. તે હમણા ન્યાયિક કસ્ટડીમાં છે.