રાફેલ મામલે સામે આવેલી એક નવી મીડિયા રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ઉદ્યોગપતિ અનિલ અંબાણીના 'વચેટીયા'ની જેમ કામ કરવા અને ઓફિશ્યલ સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેના માટે મોદી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ થવી જોઈએ.
તેઓએ એક અંગ્રેજી અખબારની ખબરનો હવાલો આપતા કહ્યું કે, પ્રધાનમંત્રીના ફ્રાન્સ પ્રવાસ પહેલા અંબાણીને કેવી રીતે ખબર પડી કે ડીલ થવાની છે અને કોન્ટ્રેક્ટ તેઓને મળવાનો છે? ગાંધીએ સંવાદદાતાઓને જણાવતા કહ્યું કે, 'એક ઈમેલ સામે આવ્યો છે જેનાથી સવાલ ઉદ્દભવે છે કે, અનિલ અંબાણી કેવી રીતે પ્રધાનમંત્રીના પ્રવાસ પહેલા ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી રહ્યા હતા.? '
તેઓએ દાવો કર્યો, 'તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પર્રિકરને ડીલ મામલે જાણ નહોતી. તત્કાલીન વિદેશ સચિવને ખબર નહોતી. એચએએલને ખબર નહોતી. પરંતુ અનિલ અંબાણીને પહેલાથી ખબર હતી કે ડીલ થવાની છે, જ્યારે અંબાણી ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા.'
તેઓએ આરોપ લગાવ્યો, 'આ તમામ ગોપનીયતા કાયદાનું ઉલ્લંઘન છે. જેને લઈ પ્રધાનમંત્રી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ થવી જોઈએ. ગાંધીએ દાવો કર્યો, પ્રધાનમંત્રી અનિલ અંબાણી માટે વચેટીયાઓની જેમ કામ કરી રહ્યા છે. એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે.'
તેઓએ આ મામલા સાથે જોડાયેલી કેગ રિપોર્ટ વિશે પૂછવા પર કહ્યું કે, 'ચોકીદાર ઑડિટર જનરલ રિપોર્ટ' છે જેનો કોઈ અર્થ નથી. ઉલ્લેખનીય છે કે, સરકાર તથા અંબાણીનો સમૂહ કોંગ્રેસ અધ્યક્ષ તરફથી લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા આરોપોને પહેલા જ નકારી ચુક્યા છે.